
(પીટીઆઈ) લંડન, તા.૨૦
આધુનિક યુગમાં માત્ર ખાનપાનની ટેવો જ નહિ પણ અપૂરતી ઉંઘ પણ હૃદયની જીવલેણ બિમારીમાં પરિણમી શકે છે. સંશોધકોના મતે અનિયમિત અને અપૂરતી ઉંઘ પણ હૃદયની ગંભીર બિમારીનું મહત્વનું કારણ હોઈ શકે છે. લંડનમાં થયેલા તાજા સર્વેના તારણો પ્રમાણે દરરોજ છ કલાકથી ઓછી ઉંઘ લેતી વ્યક્તિ પર હૃદયની બિમારીને કારણે મોતનું ૪૮ ટકા વધુ જોખમ છે. અપૂરતી ઉંઘ અને હાયપરટેન્શન વચ્ચે ગાઢ સંબંધ છે.
અભ્યાસમાં સામેલ હૃદયરોગના નિષ્ણાંત બ્રાયન પિન્ટોએ તેમના ૪૩ વર્ષીય મિત્રનો દાખલો આપ્યો હતો જેમનું વહેલી સવારે જોગીંગ કરતી વખતે અચાનક જ હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું હતું. તેમણે જણાવ્યું હતું કે યુવાનો વધુ કામ અને કસરત કરવા માટે ઉંઘના કલાકોમાં કાપ મૂકે છે, પણ સાત કલાકથી ઓછી ઉંઘ તેમના માટે ભયજનક પુરવાર થઈ શકે છે.
અભ્યાસમાં સામેલ અન્ય એક નિષ્ણાંતે પણ જણાવ્યું હતું કે હાર્ટ એટેકને કારણે હોસ્પિટલમાં દાખલ થતા ૬૦ ટકા દર્દીઓ એવા હોય છે કે તઓ હૃદયની બિમારીમાં સપડાશે એવી તેમને ક્યારેય કલ્પના નથી હોતી. અનેક કેસોમાં વધુ પડતી કસરત અને અપૂરતી ઉંઘ સર્વસામાન્ય કારણો હોય છે. વૉરવીક યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં અમેરિકા, બ્રિટન અને જાપાન સહિતના આઠ દેશોના ૪.૭ લાખ લોકોને સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા. સંશોધકોએ જણાવ્યું હતું કે જો તમે રાતે છ કલાકથી ઓછી ઉંઘ લેતા હોય તો હૃદયની ગંભીર બિમારીને કારણે મૃત્યુનો ૪૮ ટકા ખતરો છે તથા સ્ટ્રોકને કારણે મૃત્યુનો ૧૫ ટકા ખતરો છે. તેમણે ઉમેર્યું હતું કે મોડી સૂઈ વહેલા ઉઠવાની ટેવ આરોગ્ય માટે ટાઈમ બોમ્બ સમાન જોખમ છે.
અગાઉ ૨૦૦૦માં હિંદુજા હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપમાં ૭૦૦ દર્દીઓમાંથી ૮ ટકા દર્દીઓ અપૂરતી ઉંઘને કારણે સર્જાતી બિમારીઓથી પીડિત હોવાનું જાણવામાં આવ્યું હતું. સંશોધકોના મતે અપૂરતી ઉંઘ અને હાયપરટેન્શન વચ્ચે ગાઢ સંબંધ છે. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે જો દવાઓને કારણે બ્લડ પ્રેશર કાબુમાં આવતું ન હોય તો અપૂરતી ઉંઘ કારણ હોઈ શકે છે.