
નિષ્ણાતોના અભ્યાસ અનુસાર કોઈ પણ સ્થિતિમાં જ્યારે મગજ કામ કરતું બંધ થઈ ગયું હોય તેમ લાગે અને આગળ શું કરવું તેની સમજ ન પડે. કામમાં સાવ ડૂબી ગયા હોઈએ તેવું લાગે તો શ્વાસની કસરત તરત કરી લેવી જોઈએ. ઊંડા શ્વાસ સાથે શ્વાસની કવાયત કરવાથી તરત જ શરીર અને મગજ બંને હળવા ફૂલ થઈ જવા લાગે છે. એ પછી સમગ્ર પરિસ્થિતિ અચાનક જાણે કે સ્પષ્ટ બની જાય છે. કામ હવે શી રીતે આગળ લઈ જવું અને શી રીતે સફળ બનાવવું તેની સમજ પડવા લાગે છે.
કામમાં મૂંઝવણ થવા લાગે અને હતાશા થાય ત્યારે શ્વાસની કસરત ઉપયોગી
શ્વાસ લેવાની કવાયતથી શરીરને ભરપૂર પ્રાણવાયુ મળવા લાગે છે. પ્રાણવાયુની ભરમારથી માથાનો દુખાવો મટી જાય છે, થાક ઊતરી જાય છે, હતાશા અને નિરાશા દૂર થઈ જાય છે, ઉત્તેજના અને વધુ પડતા વિચારની બેચેની દૂર થઈ જાય છે. રાત્રે સૂતાં અગાઉ શ્વાસની કસરત કરવાથી ઊંઘ વહેલી આવે છે અને થોડી જ વારમાં ગાઢ ઊંઘ આવી જતાં મગજને ખૂબ રાહત થાય છે.
શ્વાસની કસરત કરવાની હથોટી આવી જાય પછી ગમે તેવી સ્થિતિમાં મૂંઝાઈ જવાતું નથી અને દરેક મુશ્કેલીનો અગાઉ કરતાં વધુ સહેલાઈથી વધુ સ્વસ્થતાથી ઉકેલ લાવી શકાય છે.
શ્વાસનની કસરત ખૂબ સરળ છે. નિરાંતની સ્થિતિમાં ઊભા રહો અથવા બેસો. ધીમેધીમે નાક વડે ઊંડો શ્વાસ લો, મનમાં પાંચ ગણાય એટલો સમય શ્વાસ અંદર લેતાં રહો. ત્રણ ગણાય ત્યાં સુધી શ્વાસ રોકી રાખો. પછી ધીમેધીમે મનમાં આઠ ગણાય એટલો સમય મોં દ્વારા શ્વાસ છોડતા રહો. દસથી પંદર વખત આ સમગ્ર ક્રિયા કરતા રહો.