આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Nov 18th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ આંખમાં સ્ટેરોઇડયુક્ત ટીંપા નહીં નાંખવાની સલાહ

આંખમાં સ્ટેરોઇડયુક્ત ટીંપા નહીં નાંખવાની સલાહ

Print PDF
મુંબઈ - છેલ્લા કેટલાક સમયથી કન્જક્ટિવાઇટીસની સમસ્યામાં ભારે વધારો થયો છે. નિષ્ણાતોએ આની સારવાર માટે સ્ટેરોઇડયુક્ત આંખના ટીપાંને બદલે એન્ટિબાયોટીક ટીપાં વાપરવાની સલાહ આપી છે કારણ કે સ્ટેરોઇડયુક્ત આંખના ટીપાંને કારણે સમસ્યામાં વધારો થતો હોવાનું જોવા મળ્યું છે.

એક સરકારી લેબોરેટરીમાં કામ કરતા સિનીયર સંશોધકને જ્યારે તેની કન્જક્ટિવાઇટીસની સમસ્યામાંથી ૪૮ કલાકમાં જ રાહત મળી ગઈ ત્યારે પહેલાં તો તેઓ બહુ ખુશ થયા હતા, પણ જેવા તેમણે સ્ટેરોઇડયુક્ત આંખના ટીપાં બંધ કર્યા કે તરત જ પરિસ્થિતિ વધારે વણસી જતાં દ્રષ્ટિ ધૂંધળી થઈ ગઈ અને આંખમાં અસહ્ય દુઃખાવો થવા લાગ્યો. તેઓ તરત જ જે.જે. હોસ્પિટલ પહોંચી ગયા જ્યાં તેમને સ્ટેરોઇડયુક્ત આંખના ટીપાંને બદલે એન્ટિબાયોટીકવાળા આંખના ટીપાં આપવામાં આવ્યા.

જે.જે. હોસ્પિટલના ઓપ્થેલ્મોલોજીના પ્રોફેસર ડોક્ટર રાગિણી પારેખ કહે છે કે આ કિસ્સો કોઈ એકલદોકલ નથી કારણ કે સ્ટેરોઇડયુક્ત આંખના ટીપાંને કારણે સામાન્ય કન્જક્ટિવાઇટીસની સમસ્યા અત્યંત વણસી ગઈ હોય અને આવું રિએક્શન આવ્યું હોય એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ડોક્ટર રાગિણીના કહેવા પ્રમાણે ''હોસ્પિટલમાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં કન્જક્ટિવાઇટીસના લગભગ ૧૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ ગયા છે. સ્ટેરોઇડને કારણે ચેપની અસર નાબુદ નથી થતી, પણ છુપાઈ જાય છે જેના કારણે દર્દીને કામચલાઉ રાહતની લાગણી અનુભવાય છે. જોકે સ્ટેરોઇડને કારણે ચેેપનો નાશ ન થતો હોવાના કારણે એની હાજરી તો અનુભવાય જ છે. આ સંજોગોમાં જેવા ટીપાં બંધ કરાય કે તરત જ ચેપ વધારે વકરેલા સ્વરૃપમાં દેખા દે છે. વળી, ઉપચાર થતાં પણ વાર લાગતા ચેપ વધારે સમય સુધી સ્થાયી રહે છે.''

શહેરના આંખના નિષ્ણાત ડોક્ટરોના કહેવા માટે સ્ટેરોઇડયુક્ત આંખના ટીપાં તો ખરેખર કોઈપણ પ્રકારના આંખના ઓપરેશન પછી દર્દીને રાહત અનુભવાય એ માટે છે અને એનો ઉપયોગ કન્જક્ટિવાઇટીસની સારવારમાં કરવો યોગ્ય નથી. કુર્લામાં આવેલી આર્યન હોસ્પિટલના કોર્નિયા સર્જન ડોક્ટર તૃપ્તિ મોંગિયા કહે છે કે ''આ વર્ષે કન્જક્ટિવાઇટીસના દર ૨૦ કેસમાંથી એક કે બે કેસમાં કોર્નિયાને ચેપ લાગેલો છે. હકીકતમાં સામાન્ય કન્જક્ટિવાઇટીસમાં કોર્નિયાને કોઈ નુકસાન નથી થતું, પણ જો યોગ્ય રીતે દવા ન કરવામાં આવે તો ચેપ વધારે વકરીને કોર્નિયાને પણ અસર કરે છે જેની સારવાર માટે વધારે પ્રયાસ કરવા પડે છે. કન્જક્ટિવાઇટીસની સારવાર માટે સામાન્ય એન્ટિબાયોટિકનો ઉપયોગ પુરતો છે.''

કન્જક્ટિવાઇટીસનું પ્રમાણ વધી ગયું છે ત્યારે શહેરના ડોક્ટરોમાં આ સમસ્યા પાછળ વાઇરસ જવાબદાર છે કે બેકટેરિયા એ વિશે સંમતિ નથી સાધી શકાઈ. કેટલાક નિષ્ણાતોને આ સમસ્યા માટે બેકટેરિયા જવાબદાર લાગે છે જ્યારે જે.જે. હોસ્પિટલના તબીબોને આ સમસ્યા વાઇરસને કારણે ઉભી થઈ છે એમ લાગે છે. આ સિવાય કેટલાક ખાસ કિસ્સામાં ચેપ મટી જાય પછી પણ આંખમાં લાલ રંગનું નિશાન રહી જવા જેવી 'સબ કન્જક્ટિવલ હેમરેજ' સમસ્યા પણ જોવા મળે છે. જોકે આ સમસ્યા સમયાંતરે આપમેળે જ ઉકેલાઈ જાય છે. આ સમગ્ર પરિસ્થિતિમાં આનંદની વાત એ છે કે ડોક્ટરોના કહેવા પ્રમાણે પરિસ્થિતિ હજી કાબૂની બહાર નથી ગઈ. તેમનું કહેવું છે કે સામાન્ય સંજોગો કરતા કન્જક્ટિવાઇટીસના વધારે કેસ છે, પણ હજી આ સમસ્યા અસામાન્ય હદ સુધી વકરી નથી અને એના પર અમુક પાયાના નિયમોનું ધ્યાન રાખીને કાબૂ મેળવી શકાય છે.

આંખના નિષ્ણાત ડોક્ટરોએ કન્જક્ટિવાઇટીસથી બચવા માટે કેટલાક ખાસ નિયમો જણાવ્યા છે. આ નિયમોમાં વારંવાર હાથ ધોવા, આંખ ચોળવાનું ટાળવું, આંખના ટીપાં-ચાદર-તકિયાંની આપલે ન કરવી, શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવું અને ચેપ લાગવાનું શક્યતા હોય એવી ભીડમાં જવાનું ટાળવું, ગોગલ્સ પહેરવાં અને જાહેર સ્નાનાગારનો ઉપયોગ ન કરવો.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us