આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Sep 24th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ ‘કેન્સર’માં ઉતાવળનો ફલૂ

‘કેન્સર’માં ઉતાવળનો ફલૂ

Print PDF
આ પુરાવો છે હોસ્પિટલની લાપરવાહીનો. ઉતાવળિયો નિર્ણય લેવાના બદલે હોસ્પિટલે રાહ જોઈ હોત તો પરિવાર તેના મોભીના અંતિમ દર્શન કરી શક્યો હોત

અમરેલી ચિતલરુરાની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે રહેતાં દિનકરરાય મહેતા (ઉ.વ.૬૯)ને પ્રોસ્ટેટની ગાંઠની સારવાર માટે ૪ માર્ચ, ૨૦૧૦ના રોજ સિવિલ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૩મી માર્ચના રોજ બપોરે ૪-૩૦ વાગ્યે કેન્સરની સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

દરમિયાન, તેમને સ્વાઇન ફલૂ હોવાની શંકાના આધારે હોસ્પિટલના સત્તાવાળઓએ તેમનો મૃતદેહને પરિવારના સભ્યોને આપ્યો નહીં અને દૂધેશ્વર સ્મશાનગૃહમાં જ અંતિમવિધિ કરવાની ફરજ પાડી. બીજા દિવસે એટલે કે તા.૧૪મીના રોજ મૃતકને સ્વાઇન ફલૂ નેગેટીવ હોવાનો રિપોર્ટ આવ્યો. ડોક્ટરોની આટલી બધી અધીરાઈના કારણે એક પરિવારે અસહ્ય વેદના અને જીવન ભરનો વસવસો વેઠવા પડ્યા.

મૃતકના ભાણેજ જમાઇ અતુલ મહેતાએ જણાવ્યું હતું કે, તેમના મામાજીને શુક્રવારે સાંજે શ્વાસની તકલીફ થઇ હતી. શનિવારે બપોરે ૧૧-૧૫ વાગ્યાના અરસામાં એઇડ્સના ટેસ્ટ માટે અને કલાક બાદ સ્વાઇન ફલૂના ટેસ્ટ માટે બ્લડ લઇ ગયા હતા.

દરમિયાન, બપોરે ૪-૩૦ વાગ્યાના અરસામાં તેમનું મૃત્યુ નિપજયું હતું. સ્વાઇન ફલૂનો રિપોર્ટ નહીં આવ્યો હોવા છતાં તેમને સ્વાઇન ફલૂ છે, તેમ માનીને જ હોસ્પિટલ સ્ટાફે મૃતદેહને અમરેલી લઇ જવાની ના પાડી અને અમદાવાદમાં જ અંતિમક્રિયા કરવા જણાવ્યું. એટલે સુધી કે રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃત શરીરને પી.એમ.રૂમમાં રાખવાની તૈયારી પણ બતાવી ન હોતી.

મૃત્યુના બે દિવસ પહેલાં દિનકરભાઇએ પૌત્રો માટે પ્રસાદ લઈ જવાનું વચન આપ્યુ હતું. પરંતુ પૌત્રો અને પુત્રવધુઓ અંતિમ ઘડીએ તેમનું મોં જોઈ શકયા નહીં. આ અંગે મૃતકના પુત્ર લલિત મહેતાએ જણાવ્યું હતું કે, સ્વાઇન ફલૂના રિપોર્ટના આધારે અમે અમારા પિતાજીની ધાર્મિક અંતિમ વિધિ વતનની માટીમાં નહીં કરી શકયાનો અમને જિંદગીભર વસવસો રહેશે.

આ પીડા કદી ના પુરી શકાય તેવી છે. શકય છે કે, સ્વાઈન ફલૂ સામે ચાલેલી પ્રચાર ઝુંબેશથી જાગૃત થયેલા તબીબોએ આ ઉતાવળિયો નિર્ણય લીધો હશે. પરંતુ આ નિર્ણયથી એક પરિવારે આજીવન કેટલી વિટંબણાઓ ભોગવવી પડશે? તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

‘રિપોર્ટ માટે પણ આજીજીઓ કરી’
૧૪ માર્ચ, રવિવારે સાંજે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ આવેલા કંટ્રોલ રૂમમાં તપાસ કરતાં મૌખિક રીતે અમને એચ૧એન૧નો રિપોર્ટ નેગેટિવ હોવાનું કહ્યું હતું અને સોમવારે રિપોર્ટ કોર્પોરેશનમાંથી લઇ લેવા કહ્યું હતું. છેવટે આજીજી કરતાં આખરે તેમણે રિપોર્ટ આપ્યો હતો. આ હકીકત જાણીને અમને જ નહીં સમગ્ર પરિવારના સભ્યોને તંત્ર પર ધૃણા જન્મી છ.

રિપોર્ટ સુધી જો તેમનો મૃતદેહ પી.એમ. રૂમમાં રાખવા દીધો હોત અથવા તો રિપોર્ટ મેળવવામાં તંત્રએ ઉતાવળ કરી હોત તો એક પરિવારને જિંદગીભરનો વસવસો ખાળી શકાયો હોત. આવા કિસ્સાંમાં પાંચથી છ કલાકમાં રિપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. -અતુલ મહેતા, મૃતક દિનકરભાઈના સંબંધી

સરકારી કિટ કયાં ગઈ?
દર્દીની સેવા કરતાં પ્રવિણસિંહ દરબાર તથા સંજય પટેલે જણાવ્યું હતું કે, દસ દિવસ સુધી તેઓ મહેતા પરિવારની સાથે રહ્યા હતા. આ કિસ્સામાં ૨૯ કલાક સુધી રિપોર્ટની રાહ જોવી પડી છે. રિપોર્ટ ના આવ્યો ત્યાં સુધી હોસ્પિટલ તંત્રએ રાહ જોવી જોઇએ. મૃતકના પરિવારજનો પાસે સ્વાઈન ફલૂની કિટ મંગાવવામાં આવી હતી. હકીકતમાં સરકાર આ માટે લાખ્ખો રુપિયા બજેટ ફાળવે છે કે જેથી દર્દીના સગાંને ખર્ચ કરવો ન પડે. હોસ્પિટલે ધાર્યુ હોત તો મૃતદેહને પી.એમ. રૂમમાં અથવા કોફિન જેવા ખાનામાં પણ મૂકી શકાયો હોત.

કેન્દ્રના નિયમ પ્રમાણે વત્ર્યા છીએ
પ્રશ્ન : સ્વાઇન ફલૂની શંકા રાખીને દર્દીના સગાંને ડેડબોડી આપ્યું નહોતું? સ્વાઇન ફલૂની આશંકાનું કારણ શું હતું?

જવાબ : હા, અમે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જ વર્ત્યા છીએ. શરદી, ઉધરસ હશે એટલા માટે શંકા ગઇ હશે.

પ્રશ્ન : રિપોર્ટની રાહ જોયા વિના જ બોડી સ્વજનોને ના આપી ?
જવાબ : અમે એચ૧એન૧વાળા સાથે કાયદા પ્રમાણે કાર્યવાહી કરી દીધી હતી.
ડો. શિલીન એન. શુકલ, નાયબ નિયામક,ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિ.
સરકારી જાગૃતિ ચકાસવા ‘ડીબી ગોલ્ડે’ સિવિલ સ્થિત એચ૧એન૧ વિભાગની પણ મુલાકાત લીધી. અહીંયા માત્ર બે સર્વન્ટ અને હોમગાર્ડનો જવાન હાજર હતા. તેમણે જણાવ્યું હતું કે રજા હોવાથી બપોરે એક વાગ્યા પછી કોઇ ના મળે. આવામાં, સ્વાઈન ફલૂના દર્દી પાસે રાહ જોયા સિવાય બીજો કોઈ વિકલ્પ ખરો?

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.


Source: Divyabhaskar.co.in

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us