આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ અમ્લપિત્તમાં યોગ અસરકારક(યોગ ભગાવે રોગ)

અમ્લપિત્તમાં યોગ અસરકારક(યોગ ભગાવે રોગ)

Print PDF
યોગ ભગાવે રોગ - બાબા રામદેવ

અમ્લપિત્તમાં યોગ અસરકારક(યોગ ભગાવે રોગ)
૧૫થી ૨૦ ગ્રામ વરિયાળીને ૧૦૦ ગ્રામ પાણીમાં અડધા કલાક સુધી ઉકાળી સેવન કરવાથી અપચો, ઊલટી તથા જમ્યા પછી થનારા દર્દ તથા અમ્લપિત્તથી રાહત મળે છે. યોગના નિયમિત અભ્યાસથી અમ્લપિત્ત શાંત થાય છે

આજની વ્યસ્ત દિનચર્યામાં લોકોને ન તો ખાવાનો સમય મળે છે, ન તો વ્યાયામનો સમય બચે છે. જેને પરિણામે મોટાભાગના લોકોને અમ્લપિત્ત એટલે કે એસિડિટીની તકલીફ વધતી જાય છે. અમ્લપિત્ત એક એવો રોગ છે જે શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા ઉત્પન્ન કરે છે. અમ્લપિત્તથી પીડાતા લોકો તેમાં તરત જ લાભ મળે તે માટે સિરપ, ગોળી વગેરે જેવી એન્ટિએસિડ દવાઓ લે છે, જે સ્વાસ્થ્ય માટે બહું યોગ્ય નથી. રોગીનો પ્રયાસ એવો હોવો જોઈએ કે દવાઓ પર નિર્ભર ન રહેતા પોતાની જીવનશૈલીમાં ફેરફાર લાવે અને યોગ તથા વ્યાયામ પર પૂરતું ધ્યાન આપે.

અમ્લપિત્તનાં લક્ષણ
 • છાતી અને પેટમાં બળતરા, ખાટા ઓડકાર.
 • ઊલટી, ધબકારા વધવા, ગભરાટ, બેચેની.
 • મોઢાની કડવાશ, ભોજન તરફ અરુચિ, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, હાથ-પગમાં બળતરા, મોઢામાં ચાંદાં, શરીર પર ચકામાં અથવા નાના-નાના દાણા આ બધાં તેનાં લક્ષણો છે.
ઉપચાર
 • ભોજન હંમેશાં સાદું લો. તાજું અને જલદી પચનારું ભોજન લો. ભોજન બરાબર ચાવીચાવીને ખાઓ.
 • અમ્લપિત્ત ઉત્પન્ન કરનાર ખાદ્યપદાર્થોનું સેવન કરવું નહીં. ભોજનમાં રેસાવાળાં ફળ, શાકનો સમાવેશ કરો. સવારે ઊઠીને બે ગ્લાસ પાણી પીઓ.
 • ભોજનના અડધા કલાક પહેલાં અડધા ગ્લાસ પાણીમાં અડધી ચમચી લીંબુનો રસ તથા એટલા જ પ્રમાણમાં ખાંડ મેળવીને પીવું.
 • રાત્રે દહીં ખાવું નહીં. ખાટા પદાર્થોના સેવનથી બચવું.
 • ખાટા બળતરાવાળા પદાર્થ જેમ કે અડદ કે મઠનો ખાવામાં બહુ ઉપયોગ કરવો નહીં.
 • વિટામિન-સીથી ભરપૂર ફળોનું સેવન કરો. જેમ કે નારંગી, લીંબુ, ટામેટાં વગેરે.
 • જમતી વખતે પાણી પીવું નહીં અને જો પીવું જ પડે તો બહુ ઓછું પીવું.
 • બે વાર પેટ ભરીને જમવા કરતાં દિવસમાં ૪-૫ વાર થોડું થોડું ભોજન કરો.
 • રાત્રે સૂઈ જાઓ તેના ૨-૩ કલાક પહેલાં ભોજન કરી લેવું. જમ્યા પછી તરત જ સૂવું નહીં.
 • અપચાનો સૌથી મોટો દુશ્મન છે - તણાવ અને ગુસ્સો. તેનાથી હંમેશાં દૂર રહો.
ઘરગથ્થુ ઉપચાર
 • વરિયાળી કે આદુ તથા જીરુનો ખોરાકમાં ઉપયોગ કરવાથી પેટની બળતરા તથા પાચનમાં લાભ થાય છે.
 • બાષ્પ વિધિથી કાઢેલા અજમાના બીજના તેલનાં ૨-૩ ટીપાં લેવાથી ગેસ, ખાટા ઓડકાર અને પેટના દુખાવામાં આરામ મળે છે.
 • હરડ કે હરિતનો જ્યૂસ આંબળાંના રસ સાથે ભોજન પછી લેવાથી અમ્લપિત્ત તથા છાતીની બળતરામાં આરામ મળે છે.
 • ૧૫થી ૨૦ ગ્રામ વરિયાળીને ૧૦૦ ગ્રામ પાણીમાં અડધા કલાક સુધી ઉકાળી સેવન કરવાથી અપચો, ઊલટી તથા જમ્યા પછી થનારા દર્દ તથા અમ્લપિત્તથી રાહત મળે છે.
 • લીલી કોથમીર, લસણ, ટામેટાં, આદુ મેળવો, મીઠું, મરચું નાખી ચટણી બનાવી સેવન કરવાથી પેટના બધા જ રોગ નાશ થઈ ભૂખ વધે છે.
 • ૫૦ ગ્રામ મુનક્કા, વરિયાળી ૨૫ ગ્રામ બંનેને કચરી ૨૦૦ ગ્રામ પાણીમાં રાત્રે પલાળવા, જેને સવારે મસળીને ગાળી લો અને તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવી પી જાવ. તેનાથી અમ્લપિત્તમાં લાભ થાય છે.
 • ૨ ગ્રામ તજ, પ ગ્રામ લીલી ઈલાયચી, ૨ ગ્રામ દાડમના દાણા (સૂકા) ૩ ગ્રામ આંબળાં, ૧ ગ્રામ જીરું, ૫ ગ્રામ મુનક્કા, ૯૦ ગ્રામ પાણી, ર૦ ગ્રામ ગુલકંદ લો. ઉપરની બધી દવાને પાણીમાં પીસી અને ગુલકંદને મસળી ગળીને પીવાથી અમ્લપિત્તમાં ઘણો ફાયદો થાય છે.
 • લીંબુના છોતરાને ખૂબ ચાવી તેનો રસ ચૂસવાથી અને ફાંક ફેંકી દેવાથી અમ્લપિત્ત મટી જાય છે.
 • ચીકુ, પપૈયાનું સેવન કરવાથી પણ અમ્લપિત્તમાં ખાસ લાભ થાય છે.
યૌગિક ઉપાયો
 • યોગ બધા જ રોગોનો સ્થાયી ઈલાજ છે. તેમાં ધૈર્ય અને નિયમિત સાધનાની જરૂર હોય છે, કારણ કે યૌગિક ક્રિયાઓ પોતાનો પ્રભાવ ધીરે ધીરે દેખાડે છે અને મૂળથી રોગનો નાશ કરે છે.
 • ઓછામાં ઓછું બે અઠવડિયાં સુધી (એક અઠવાડિયું મીઠાનું પાણી અને બીજું અઠવાડિયું સાદા પાણીથી) કુંજલ ક્રિયા કરવી.
 • બને તેટલું દિવસમાં બે વાર શરીરને ટોવેલથી અથવા હાથથી ઘસતાં સ્નાન કરો. ઠંડીમાં નવશેકા પાણી ઉપયોગ કરી શકો છો. પછીથી સૂકા ટોવેલથી શરીરને સૂકવી ૧૫ મિનિટ આરામ કરો.
 • સૂર્ય નમસ્કાર, કમર ચક્રાસન, પશ્ચિમોત્તાસન, યોગ મુદ્રાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, વજ્રાસન, ધનુરાસન, પવનમુક્તાસન તથા સર્વાંગાસનનો નિયમિત અભ્યાસ કરો. શક્તિ મુજબ પછીથી બીજાં આસનો પણ શરૂ કરી શકો છો.
 • પ્રાણાયામમાં ભસ્ત્રિકા પ્રાણાયામ (ડાબી બાજુએથી, જમણી બાજુએથી પછી બંને તરફથી) ઉજ્જાયી પ્રાણાયામ, અગ્નિસાર ક્રિયા કરો. આના નિયમિત અભ્યાસથી અમ્લપિત્ત શાંત થાય છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us