આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Oct 20th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ કેન્સરની સારવાર માટે આડ અસર વગરની નવી 'સ્માર્ટ બોમ્બ' પધ્ધતિ

કેન્સરની સારવાર માટે આડ અસર વગરની નવી 'સ્માર્ટ બોમ્બ' પધ્ધતિ

Print PDF
ભારતમાં ક્લિનિકલ ટ્રાયલથી ભાગવાને બદલે તેનું પ્રમાણ વધારવાની જરૃર ઃ ડૉ. ઢીંગરા
અમદાવાદ, બુધવાર

કેન્સર. નામ પડતાં જ થથરી જવાય એવી એની અસર. તેમાં ય, આ રોગની સારવાર દરમિયાન શરીરમાં આવતા રીએકશન્સ. પરંતુ કલ્પના કરો કે કેન્સરના દર્દીને બે-ત્રણ વર્ષ પછી સારવાર આપતી વખતે તેના માથાના વાળ પણ ન ખરે, રક્તકણોને વિપરીત અસર ન થાય અને શરીર ક્ષીણ પણ ન થઈ જાય તો ? જો કે, કેન્સર થાય જ નહીં તેનાથી સારું બીજું કાંઈ નથી, પરંતુ થાય તો એવી નવી સારવાર પદ્ધતિ આવી રહી છે, જે દર્દીને ઘણી રીતે રાહત આપશે.

કેવી રીતે બનશે આ શક્ય ? અમદાવાદમાં રમણભાઈ ફાઉન્ડેશન દ્વારા આયોજીત 'એડવાન્સીસ ઇન ટ્રાન્સલેશનલ રિસર્ચ એન્ડ મેડીસીન' વિષય પરના આંતરરાષ્ટ્રીય સિમ્પોઝીયમના બીજા દિવસે 'ગુજરાત સમાચાર' સાથેની એક ખાસ મુલાકાતમાં અમેરિકાના સિનીયર ક્લીનીકલ રિસર્ચ ફીઝીશીયન ડો. કપિલ ઢીંગરા કહે છે કે, ''કેટલાક દાયકા અગાઉ વીલીયમ કોલેએ કેન્સરની સારવાર માટે જીવતા બેક્ટેરિયા વાપર્યા ત્યારથી લઈને આજ સુધીમાં કેન્સરની સારવાર પદ્ધતિ અનેકગણી બદલાઈ ગઈ છે. કેમોથેરાપી અને રેડીયોથેરાપીમાં કેન્સરગ્રસ્ત કોષોની સાથે સ્વસ્થ કોષોનો પણ નાશ થતો હતો એ પછી 'ફર્સ્ટ જનરેશન' સારવાર પદ્ધતિને 'મેજીક બુલેટ સારવાર પદ્ધતિ' કહેવાય છે, જેમાં સારવાર માટેના સીલેક્ટેડ મોલીક્યુલ્સને માત્ર અસરગ્રસ્ત કોષો ખતમ કરવા ટારગેટ કરાય છે. પરંતુ તો ય થોડા સ્વસ્થ કોષો નાશ પામે છે. હવે જે પદ્ધતિ પર સંશોધન થઈ રહ્યું છે તે 'સ્માર્ટ બોમ્બ' સારવાર પદ્ધતિ છે, જે ચોક્કસ ટારગેટ લઈને માત્ર કેન્સરગ્રસ્ત કોષોને જ દૂર કરશે અને સ્વસ્થ કોષોને સ્પર્શ પણ નહીં કરે. દરેકના શરીરની અંદર 'એન્ટીબોડીઝ' હોય જ છે, પરંતુ આ સ્માર્ટ બોમ્બમાં સારવાર માટેના કૃત્રિમ અને કુદરતી મળીને 'હાઇબ્રીડોમાં સેલ્સ' હશે આ સારવારથી જાણે કે વ્યક્તિ કોઈ નાનું ઇન્જેક્શન જેવું જ લાગશે. આ પદ્ધતિ પરની ક્લિનિકલ ટ્રાયલ્સને સફળતા મળી છે, પરંતુ અમલ થતા સમય લાગશે.''

જ્યારે અમેરિકાની નેશનલ કેન્સર ઇન્સ્ટીટયૂટના કેન્સર વેક્સિન વિભાગમાં સંશોધક ડો. સમીર ખેઇફ ૩૦ વર્ષમાં કેન્સર રિસર્ચમાં અનેક પ્રગતિ છતાં તેના પર વિજ્ઞાાનને સંપૂર્ણ વિજય કેમ મેળવ્યો નથી તે વિશે વાત કરતાં મુલાકાતમાં કહે છે કે, ''તકલીફ એ છે કે, દરેક પ્રદેશમાં ભૌગોલિક, પર્યાવરણીય અને જીનેટિક પરિસ્થિતિ જુદી જુદી હોવાને લીધે કેન્સરના પ્રકારો અને સંશોધકો અલગ અલગ છે. ગોરી ચામડી ધરાવતી પ્રજામાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણની ક્ષમતા ઓછી હોવાથી તેમનામાં 'મેલીનોમા' સ્કીન કેન્સરનું પ્રમાણ વધુ હોય છે. ભારતમાં કોલોન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. તેનું એક મહત્ત્વનું કારણ એ છે કે ભારતનું વાતાવરણ ગરમ હોવા છતાં ઘણાં અહીં માંસાહાર કરે છે. માણસની જીવનશૈલી ભૌગોલિક વાતાવરણ પ્રમાણે હોય તો અડધા રોગોથી બચી જવાય. જો કે, શાકાહારીઓને પણ કોલન કેન્સર થઈ શકે અને તેના કારણો વ્યક્તિએ વ્યક્તિએ જુદા હોઈ શકે પરંતુ ૩૦ વર્ષમાં કેન્સરની સારવારમાં ઘણી પ્રગતિ થઈ છે અને હવે જે તે દેશ તેના વાતાવરણ અને વિવિધ પ્રકારના કેન્સર વચ્ચેની કડી જાણીને સારવાર શોધવા વિશ્વમાં ઘણી જગ્યાએ નિષ્ણાતો મળવાના છે. 'ઇફેક્ટીવ ટારગેટેડ ઇમ્યુન થેરાપી' સફળ ન થવા પાછળ ઇમ્યુન સિસ્ટમ અને ટયુમર વચ્ચેની ખૂટતી કડી છે જે ઉકેલવા ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે.''

જ્યારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડીકલ સાયન્સીઝ- દિલ્હીના ડૉ. વિનોદ રૈના ભારતમાં ઓન્કોલોજી ક્લીનીકલ રિસર્ચ વિશે કહે છે, ''મધ્યપ્રદેશના દર્દીઓ પર ક્લીનીકલ ટ્રાયલ અંગેની એક ઘટનાના વિવાદ સાથે એવું કહેવાય છે કે ભારતમાં ક્લીનીકલ ટ્રાયલના નામે દર્દીઓ પર અત્યાચાર થાય છે પરંતુ આખા વિશ્વમાં એક વર્ષમાં જેટલી ક્લીનીકલ ટ્રાયલ્સ થાય છે, તેની સરખામણીમાં ભારતમાં માત્ર ૦.૧ ટકાથી ૧ ટકા જ ટ્રાયલ થાય છે. વિશ્વની જે વસ્તી છે, તેની છઠ્ઠા ભાગની વસ્તી ભારતમાં છે અને જે રોગો છે એ હિસાબે ભારતમાં ક્લીનીકલ ટ્રાયલ્સનું પ્રમાણ ઘણું વધુ હોવું જોઈએ. ભારતમાં લ્યુકેમીયા લીમ્ફોમા, બ્લડ કેન્સરની ટ્રાયલ આવી એ અગાઉ આવા કેસો આવા કેસો બહુ ખરાબ રીતે ટ્રીટ થતા હતા. જ્યારે નવી ટ્રાયલ બાદ સારી રીતે ટ્રીટ થાય છે. દરેક દવા અને રસી, દરેક પ્રદેશની પ્રજાને તેના જીન્સ પ્રમાણે અલગ અલગ રીતે અસર કરે છે, જેમાં કાળા, ગોરા, ઘઉંવર્ણા, બધાનો સમાવેશ થાય છે શક્ય છે કે જે ક્લીનીકલ ટ્રાયલ આફ્રીકન્સ કે યુરોપીયન્સ પર સફળ સાબિત થઈ હોય તે ભારતીય પર ન પણ થાય. આ સંજોગોમાં ક્લીનીકલ ટ્રાયલ્સથી દૂર ભાગવાને બદલે ભારતમાં તે વધારવી જોઈએ.

યુકેની યુસીએલ કેન્સર ઇન્સ્ટીટયૂટના કેન્સર ડ્રગ ડીસ્કવરી એન્ડ ડેવલપેન્ટ વિભાગના ડાયરેક્ટર ડો. હીલેરી કેલ્વર્ટે પણ આ જ વાત પર ભાર મૂકતા કહ્યું, 'જાપાનમાં સ્કીન કેન્સર ઓછું છે, પરંતુ અમેરિકા સ્થાયી થયેલા જાપાનીઝની નવીપેઢીને થાય છે, તેની પાછળ ભૌગોલિક અને પર્યાવરણીય મુદ્દા જવાબદાર છે. મેં ઓવરીયન કેન્સરની સારવારમાં કાર્બોપ્લેટીનનો ઉપયોગ શરુ કરાવ્યો અને નવી ફોર્મ્યુલામાં દરેક માટે સરખો નહીં, પરંતુ પેશન્ટના વિવિધ બેકગ્રાઉન્ડ મુજબનો કોર્સ નક્કી કર્યો. આજે જીનેટિક બેકગ્રાઉન્ડ જોવું એ સારવાર માટે વધુ લાભદાયી છે. આવનારા દિવસોમાં સ્ટેમસેલ અને જીનથેરપી નિયમિત રીતે જોવાશે અને વિશ્વના તમામ ખૂણા સુધી તેના લાભો પહોંચશે ત્યાં સુધી હાલની સારવાર પદ્ધતિને વ્યક્તિએ વ્યક્તિએ થોડા બદલતી રહેવી પડશે.'

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us