આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Sep 29th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ બોરખડીના ૧૫૩ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ

બોરખડીના ૧૫૩ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ

Print PDF
વ્યારા, તા. ૨૮

વ્યારાના બોરખડી ખાતે કાર્યરત જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ૪૬૪ વિદ્યાર્થીઓને રાત્રિ ભોજનમાં મગ, ખીચડી, દૂધ આપ્યા બાદ સવારે ૧૫૩ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર પહોંચી હતી, જેને કારણે જવાબદાર તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં અસરગ્રસ્ત એક શિક્ષક, ૬ વિદ્યાર્થિની, ૨ વિદ્યાર્થી સહિતને વ્યારા રેફરલ હોસ્પિટલમાં તથા અન્ય વિદ્યાર્થીઓને વિદ્યાલયમાં જ આરોગ્ય સ્ટાફ સારવાર આપી રહ્યો છે. જ્યારે ખોરાકી ઝેરની અસરથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સાંજે બાળકોને આહારમાં આપેલા ખોરાક, શાકભાજી, પાણીના સેમ્પલો મામલતદાર અને તેમના સ્ટાફે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
  • રાત્રિના ભોજનમાં મગ, ખીચડી, દૂધ આપ્યાં હતાં, સવારે વિદ્યાર્થીઓની હાલત કથળી
  • નવોદય વિદ્યાલયના એક શિક્ષક સહિત આઠ વિદ્યાર્થીઓને વ્યારા રેફરલમાં ખસેડાયા
વ્યારા તાલુકાના બોરખડી ગામમાં આવેલી ૬થી ૧૨ ધોરણ ધરાવતી જવાહર નવોદય વિદ્યાલયમાં જુદાજુદા વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કેન્દ્ર સરકારની સીધી ગ્રાંટ હેઠળ કાર્યરત નવોદય વિદ્યાલયમાં તાપી અને સુરત જિલ્લા સહિત અનેક વિસ્તારના ૨૮૪ વિદ્યાર્થીઓ, ૧૮૦ વિદ્યાર્થિનીઓ સહિત ૪૬૪ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. શાળાના વહીવટી તંત્રની ઘોર બેદરકારીને પાપે શુક્રવારે એકીસાથે ૧૫૩ વિદ્યાર્થીઓ, શિક્ષકની શારીરિક સ્વાસ્થ્ય કથળતા શાળાના સંચાલકો, શિક્ષકો, આરોગ્ય સ્ટાફ વગેરે દોડતો થયો હતો. બનાવની સ્થળ પરથી મળતી વિગત મુજબ જવાહર નવોદય વિદ્યાલયમાં રાત્રિનું ભોજન મગ, ખીચડી અને દૂધ બાળકોને આપવામાં આવ્યાં હતાં, ત્યારબાદ સવારે એકપછી એક વિદ્યાર્થીઓને ઊલટી શરૂ થતા શિક્ષકો તથા શાળામાં ખળભળાટ મચી ગયો હતો.

આ ઘટનાની જાણ આરોગ્ય વિભાગને કરવામાં આવતા વ્યારા બ્લોક હેલ્થ ઓફિસર, ૮ તબીબો, ૨૨ નર્સ સહિતના આરોગ્ય સ્ટાફે શાળામાં દોડી જઇ વિદ્યાલયમાં જ અસરગ્રસ્ત બાળકોને સારવાર આપવાની કવાયત હાથ ધરી હતી. ખોરાકી ઝેરની અસર ૪૬૪ વિદ્યાર્થીઓ પૈકી ૭૯ વિદ્યાર્થીઓ, ૭૪ વિદ્યાર્થિનીઓ મળી કુલ ૧૫૩ બાળકોને થઈ હતી. આ ઘટનામાં નવ અસરગ્રસ્તોને વ્યારા ખસેડવામાં આવ્યા હતા.

અન્ય અસરગ્રસ્તોને આરોગ્ય સ્ટાફ દ્વારા વિદ્યાલયમાં જ જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ વ્યારા મામલતદાર અને તેમનો સ્ટાફે સાંજે બાળકોને આપવામાં આવેલા મગ, ખીચડી, ભાત શાકભાજી તથા પાણીના સેમ્પલો લીધા હતાં. ઘટનાની જાણ વાલીઓને થતા કેટલાક વાલીઓ શાળામાં દોડી આવ્યા હતા.

બોરખડીમાં હોસ્ટેલની સામે જ ઊભરાતો કચરો
વ્યારાના બોરખડી ખાતે કાર્યરત જવાહર નવોદય વિદ્યાલયમાં સાફસફાઇના નામે મીડું હોવાની ગવાહી આપતા ઉકરડાના દર્શન હોસ્ટેલની સામે જ થઇ રહ્યા છે. બાળકો સ્વચ્છ વાતાવરણમાં રહી અભ્યાસ કરી શકે તે જરૂરી છે, પરંતુ હોસ્ટેલની સામે જ રોગચાળાને આમંત્રિત કરતા ઉકરડામાં માખી-મચ્છરોનો ઉપદ્રવ તથા સડી ગયેલા કચરામાંથી આવતી દુર્ગંધ બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમકારક બને તેવી સ્થિતિમાં હોવા છતાં શાળા સંચાલકોની ઘોર લાપરવાહીને લીધે જેને હટાવવાની ફુરસદ મળી નથી.

વ્યારા રેફરલમાં ખસેડાયેલા અસરગ્રસ્તો
યાકુબ રમેશભાઇ ગામીત, નીતેશ પ્રવીણ વસાવા, પિંકલ કાંતિલાલ સુરતી, દિવ્યા સુરેશ ઢીમ્મર(ધો.૧૨), મોનિકા ગુલાબ ચૌધરી (ધો.૭), મહિમા અનિલ ગામીત (ધો.૮), વિશિકા અજય ગામીત(ધો.૮),ટ્વડ ધ્રુવલ મનિષ ગામીત (ધો.૭), નમ્રતા અશોક નાયક, નિકુંજ અમૃત ચૌધરી (ધો.૮), ચેતના નગીન પરમાર (ધો.૬), દિપાલી રણજીત ગામીત (ધો.૬), શોમીયા સંતોષ મોદી (ધો.૬), સાનિયા પ્રકાશભાઇ ગામીત (ધો.૮), દામિની એ.ગોહિલ (ધો.૬), વિભૂતિ ચૌધરી (ધો.૬) તથા શિક્ષક ગજરે નૈનેશ્વર નરસિંગભાઇ (ઉં.વ.૨૬)

વિદ્યાલયની ટાંકીની ક્યારે સાફ સફાઇ થઇ તે કોઇને યાદ જ નથી?
શાળાના કંપાઉન્ડમાં આવેલી પાણીની ટાંકી નિર્માણ થયાને ક્યારે જેની સાફસફાઇ થઇ જે અંગે શુક્રવારે કોઇ સ્પષ્ટતા કરી શક્યું ન હતું. ખંડિયેર જેવી ભાસતી ટાંકીમાંથી જ વિદ્યાર્થીઓ પીવા માટે પાણીનો ઉપયોગ કરે છે તથા રસોઇ માટે પણ ટાંકીના પાણીનો ઉપયોગ થતો હોય જે પીવાલાયક હશે કે કેમ તે પ્રશ્નાર્થો સર્જાયા છે. તંત્ર દ્વારા પાણીના સેમ્પલો પણ લેવામાં આવ્યા હોય તપાસ દરમિયાન સાચું તથ્ય બહાર આવશે.

બાળકોની વનમંત્રી મંગુભાઇ પટેલે મુલાકાત લીધી
ઘટનાની જાણ થતા વ્યારા મત વિસ્તારના ધારાસભ્ય પુનાભાઇ ગામીત, જિલ્લા પંચાયતના સભ્ય અજીતભાઇ, ગામના અગ્રણીઓ, આગેવાનો વગેરે પ્રથમ શાળામાં દોડી ગયા હતા. ત્યારબાદ નિઝર ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા તાપી જિલ્લા પ્રભારી અને વનમંત્રી મંગુભાઇ પટેલ પણ બોરખડી ગામમાં દોડી આવ્યા હતા. તેઓએ વિદ્યાલયમાં સારવાર લઇ રહેલા બાળકોની પૂછપરછ કરી આશ્વાસન આપ્યું હતું.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us