આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ શિયાળામાં જરૂરી છે ત્વચા સંભાળ

શિયાળામાં જરૂરી છે ત્વચા સંભાળ

Print PDF
બ્યૂટી - રશ્મિ

શિયાળામાં જરૂરી છે ત્વચા સંભાળ
ત્વચા આપણા શરીરનું બાહ્ય આવરણ છે. એક એવું અવરોધક છે કે જે નુકસાનકર્તા તત્ત્વો અને સૂક્ષ્મ કીટાણુંઓથી આપણો બચાવ કરે છે. ત્વચાના જીવનરક્ષક તરલ પદાર્થો જેવાં કે જળ અને રક્તને થતાં નુકસાનથી બચાવે છે. પસીના દ્વારા શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે. ત્વચામાં રહેલું મલાનિન તત્ત્વ આપણને સૂર્યની ખતરનાક પારજાંબલી કિરણોથી બચાવે છે.

ત્વચાની નિયમિત દેખભાળ માટે કેટલાક ઉપાયો પર ધ્યાન આપવું જરૂરી છે. ત્વચાની બાહ્ય સપાટીને એપિડરમિસ કહે છે. જે વખતોવખત ઉતરતી રહે છે. અને પછી નવી બનતી રહે છે. વાતાવરણની સૌથી વધુ અસર એનેજ થાય છે. ત્વચાની કોમળતાને જાળવી રાખવા અને ઠંડીને કારણે પેદા થતી સમસ્યાઓથી બચવા માટે કેટલાક ઉપાયો દ્વારા ત્વચાને બચાવવી જોઈએ.
 • શિયાળામાં મોટાભાગના લોકો ઘરની અંદર હીટર કે અગ્નિ સામે બેસવાનું પસંદ કરે છે. આ પ્રકારની હિટીંગ વ્યવસ્થા તો ત્વચા માટે બહુ જ નુકસાનકર્તા બને છે. ગરમ હવાને કારણે હવામાં ભેજ ઓછો થઈ જાય છે. જેના કારણે વાતાવરણ ડીહાઈડ્રેટેડ બની જાય છે. ત્યાં સુધી કે આ ત્વચામાંથી પણ ભેજ સુકાવા લાગે છે. ત્વચા શુષ્ક થવા માંડે છે. જો તમે તમારા ઘરમાં આ પ્રકારના ઇન્ડોર હિટીંગનો આનંદ લેવા માંગતા હો અને ત્વચાને થતાં નુકસાનથી પણ બચવા માગતાં હો તો તમારે ઘરમાં ડીહયૂમીડીફાયર લગાવવું જોઈએ. જે ગુમાવેલ ભેજ પરત મેળવે છે. અને એ રીતે ત્વચાને શુષ્ક થતી બચાવે છે.
 • ભેજ પરત શિયાળાની ઠંડી હવા ખાસ પ્રકારની ત્વચાઓ માટે અતિ કઠોર તો કોઈ માટે શુષ્કતા લાવવાવાળી સાબિત થાય છે. ત્વચાને ઠંડા તાપમાન અને શુષ્કતા આપતી ઠંડી હવાથી સંભાળો. ઘેરથી બહાર નીકળતી વખતે પૂરતી કાળજી રાખો.
 • બહુ જ ઠંડી પડે ત્યારે બરાબર ગરમ પાણીથી સ્નાન કરવાની ખૂબ ઇચ્છા થાય છે. પરંતુ અત્રે એ યાદ રાખો કે બહુ ગરમ પાણી ત્વચામાં રહેલી કુદરતી ભીનાશને સૂકવી શકે છે. હૂંફાળું પાણી જ ત્વચા માટે ઉત્તમ રહે છે. તેમ છતાંય જો તમને વધુ ગરમ પાણીથી ન્હાવાની ઇચ્છા થાય તો થોડોક સમય જ ન્હાવું. કઠોર (કઠણ) સાબુનો ઉપયોગ ન કરશો. તેને બદલે મૃદુ (મુલાયમ) અને તમને અનુકૂળ હોય તેવા સાબુનો ઉપયોગ કરો.
 • આયુર્વેદમાં નિત્ય માલિશ પર ભાર મૂકવામાં આવ્યો છે. શિયાળામાં સ્નાન પૂર્વે ૧૦થી ૧૫ મિનિટ સુધી સરસિયાના, નાળિયેરના કે જૈતુનના તેલથી કરેલી માલિશ ત્વચા માટે લાભપ્રદ નીવડે છે. તેનાથી શરીર કસાયેલું બને છે. શુષ્કતા દૂર થાય છે અને યૌવનત્વ જળવાઇ રહે છે. તમારી ત્વચા જો વધુ પડતી શુષ્ક હોય તો સ્નાન પૂર્વે દેશી ઘીથી માલિશ કરવી.
 • ચહેરો, હાથ અને કોણીઓની ત્વચાની પૂરી સંભાળ રાખો. સ્નાન બાદ ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવો. સ્નાન કર્યા પછી તુરંત જ એટલે કે ત્વચા ભીની હોય તેવે વખતે લગાવેલું મોઈશ્ચરાઈઝર, ક્રીમ કે લોશન આખા શરીરમાં સહેલાઇથી પ્રસરી જાય છે. અને ત્વચાના ઉપરના ભાગમાં ભેજ જાળવી રાખે છે. જે ત્વચાની શુષ્કતા અને ખંજવાળને નાબુદ કરે છે.
 • હોઠ પર માખણ વગેરેનો ઉપયોગ ફાયદાકારક રહે છે. જે તેને ફાટતાં અટકાવે છે.
 • શિયાળામાં પગની ત્વચા સુકાવા લાગે છે. અને ફાટે છે. રાત્રે સૂતાં પૂર્વે પગને હૂંફાળા પાણીમાં બોળી રાખો. જેથી ત્વચાને ફાયદો તો થશે જ. સાથે સાથે ઊંઘ પણ સારી આવશે. હાથ- પગને મોજાંથી ઢાંકેલા રાખો.
 • તમારા દૈનિક ભોજનમાં દૂધ, માખણ અને પનીરના સાથોસાથ તાજાં ફળ અને બધાં જ પ્રકારના શાકભાજી પણ સામેલ કરો. આમળાનું નિયમિત સેવન કરો. જે તમને વિટામિન ‘સી પ્રદાન કરીને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તે ત્વચાને પોષણ પૂરું પાડે છે.
 • એલ્ફા-હાઈડ્રોક્સી એસિડ યુક્ત એક્સફોલિએટિંગના ઉત્પાદનોથી બચો, કેમ કે તે શિયાળામાં તમારી ત્વચાને શુષ્ક બનાવે છે. ચામડી પર ખંજવાળ પેદા કરે છે.
 • શિયાળા દરમિયાન, જેમની ત્વચા અતિશુષ્ક થઈ જતી હોય તેઓ એક્ઝિમાનો શિકાર બને છે. તેના કારણે ત્વચામાં ખંજવાળ આવે છે. આ માટે સ્કીન સ્પેશિયાલિસ્ટ મૃદુ સ્ટેરોઇડ ક્રીમના ઉપયોગ વિષે ભલામણ કરે છે.
 • હાઈડ્રોથેરેપી નિષ્ણાતોની એવી સલાહ છે કે, તમે તમારા દિવસની શરૂઆત હૂંફાળા પાણીના સ્નાનથી કરો. અને બહાર નીકળતા પૂર્વે ૧૫ સેકન્ડ ઠંડા પાણીમાં રહો.
 • એસ.પી.એફ. ૩૦ અને ઝિંક ઓક્સાઇડયુક્ત ડે ક્રીમ તમારી ત્વચાને ઉત્તમ સુરક્ષા ક્વચ પ્રદાન કરે છે. જે પ્રાકૃતિક તત્ત્વોથી બચવામાં મદદગાર સાબિત થાય છે. ક્રીમયુક્ત, વોટર ઑઇલ ઇમલ્શન્સ તમારી ત્વચાને હાઈડ્રેટ કરવા માટેનો સર્વોત્તમ ઉપાય છે.
 • શરીરને વિષયુક્ત તત્ત્વોથી બચાવવા અને છૂટકારો અપાવવા માટે પ્રાચીન ચીની હર્બલનો ઉપાય આ છેઃ તમે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નીચોવી લો, પછી બરાબર હલાવીને ધીમે ધીમે પી જાવ. આનાથી લિવરની સફાઇ તો થશે જ, સાથોસાથ રક્તભ્રમણ પણ ઝડપી બનશે. શરીરને વિષયુક્ત તત્ત્વોથી જલદી છૂટકારો મળશે. જેથી ત્વચા ખીલી ઊઠશે.
 • જરૂરી અને પૂરતી નિદ્રા લેવાથી શરીરમાં ઑક્સિજનનું સ્તર બની રહે છે. જે ત્વચાની કોશિકાઓને પુનઃ નિર્માણમાં સહાયક બને છે. જેથી ત્વચા પર કરચલીઓ પડતી અટકે છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us