વિકલાંગોના પ્રશ્ને તંત્ર સફાળું જાગ્યું: વિગતો માંગવામાં આવી

Print
સંદેશ
૧૨ ઑગસ્ટ ૨૦૧૦

ભાવનગર જિલ્લાના વિકલાંગોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ આવતાં ગત તા.૯ મીએ સ્થાનિક ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘની રાહબરી હેઠળ રેલી, આવેદનપત્ર આપવા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના પગલે રાજ્યના અન્ય શહેરોમાં પણ વિકલાંગોએ સરકારની વિકલાંગ વિરૃધ્ધની નીતિ સામે મહારેલી સહિતના આંદોલનની ચીમકી આપવાના પગલે હરકતમાં આવેલા સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિકલાંગોના પ્રશ્નોની માહિતી માગવામાં આવી હોવાનું સંચાલક સંઘ પ્રમુખ લાભુભાઈ સોનાણીએ યાદીમાં જણાવ્યું છે.તેમના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા વિકલાંગોના પડતર પ્રશ્નોનો નિકાલ કરવાના બદલે વિકલાંગ વિરોધી નીતિ અખત્યાર કરવામાં આવતાં ગત તા.૯ ના રોજ ભાવનગર સ્થિત ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘના નેજા હેઠળ રેલી, આવેદનપત્ર પાઠવવા સહિતના આંદોલનના મંડાણ કરવાના પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સમાજ સુરક્ષા નિયામક દ્વારા વિકલાંગોના પ્રશ્નોની માહિતી મેળવવા માટે સંઘનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું સંઘ પ્રમુખ સોનાણીએ યાદીમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર પુરસ્કૃત ધો-૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિકલાંગ વિદ્યાર્થીઓ માટે નવી દાખલ થયેલી આઈડીએસએસ યોજના શરૃ કરવામાં થતાં વિલંબ સામે વિરોધનો બૂંગિયો અપંગ સંસ્થાએ ફૂંક્યો છે. જેની સામે તંત્રએ આગામી ૧૫ મી ઓગષ્ટ પહેલા તેની માહિતી એકત્રિત કરવા જિલ્લા શિક્ષણાધિકારીઓને હુકમો કર્યાનું સંઘ પ્રમુખે જણાવ્યું હતુ. તેમના જણાવ્યા મુજબ આગામી તા.૨૧ મી ઓગષ્ટે દાહોદ ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, મહેસાણા વગેરે શહેરોના વિકલાંગો બહોળી સંખ્યામાં જોડાઈ સરકારની નીતિનો વિરોધ કરશે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.