ગળામાં ખીચખીચ? આ રહ્યા ઉપાયો(યોગ ભગાવે રોગ)

Print
યોગ ભગાવે રોગ - બાબા રામદેવ

આપણે જે પણ ખોરાક લઈએ છીએ તે આપણા ગળામાંથી થઈને અન્નનળી દ્વારા આપણા પેટમાં જાય છે. આપણા સ્વરતંત્રની વાહિનીઓ પણ ગળામાંથી જ પસાર થાય છે. એક રીતે ગળું આપણા શરીરનું મુખ્ય અંગ છે, જેના દ્વારા આપણા શરીરની ઘણી મુખ્ય ગતિવિધિઓનું સંચાલન થાય છે. જો ગળામાં કોઈ પણ બીમારી કે વિકાર ઉત્પન્ન થાય તો આપણું જીવવું દુષ્કર થઈ જાય છે. ગળામાં થતી કેટલીક બીમારી અને ઉપચાર આ મુજબ છે.

ટોન્સિલ : ગળાની અંદર ઘણી વાર સોજો આવે છે. આ સ્થિતિ ત્યારે પેદા થાય છે કે જ્યારે ગળાના પ્રવેશદ્વારની આજુબાજુ ઝેરીલાં તત્ત્વો એકઠાં થાય છે. ઝેરીલા જીવાણુઓ ગળાની આસપાસ હોવાથી ગળામાં સોજો આવે છે. ટોન્સિલ રોગમાં પ્રવેશદ્વારની બન્ને તરફ માંસની ગાંઠ પેદા થાય છે. આને જ ટોન્સિલ કહેવામાં આવે છે. આ રોગના રોગી જ્યારે બટાટા, ભાત, મેદો, ચોકલેટ, ખાંડ, મિઠાઈ, વધુ ખાટા તથા વધુ ઠંડા ખાદ્ય પદાર્થોનું સેવન કરે છે ત્યારે ટોન્સિલમાં સોજો વધી જાય છે. આ કારણે આવી વ્યક્તિને કબજિયાત રહેવા માંડે છે. ઠંડીને કારણે પણ ટોન્સિલ વધે છે. આ રોગમાં પાણી પીવામાં, થૂંક ગળવામાં પણ પરેશાની થાય છે અને ગળામાં તીવ્ર વેદના થવા માંડે છે. ગળામાં ખરાશની સાથે સાથે ઉધરસ પણ આવે છે.

ડિપ્થેરિયા : આ રોગ બાળકોને વધુ થાય છે. આ રોગના ઈલાજમાં જરાય મોડું કરવું જોઈએ નહીં. આ રોગની ઉત્પત્તિ ગળા અને નાકમાં થાય છે. ઠંડા અને પહાડોવાળા સ્થાને ડિપ્થીરિયા રોગ વધુ થાય છે. આ રોગ ચેપી હોય છે. જ્યારે બાળકોને શરદી, ગળાની બીમારી તીવ્ર ઉધરસ અને ઓરી રોગથી ઘેરાય ત્યારે તેમને ડિપ્થીરિયા રોગ થવાની આશંકા રહે છે. જ્યારે ગળાના પડમાં જીવાણુઓનો હુમલો થાય છે ત્યારે ગળામાં આ રોગ થાય છે. છીંકવાથી, થૂંકવાથી, ઉધરસથી આ રોગના જીવાણુ રોગીના મોઢામાંથી નીકળી બીજા લોકોમાં ફેલાય છે. વાસી ભોજન આરોગવાથી, પ્રદૂષિત વાતાવરણમાં રહેવાથી અને વધુ ઠંડી જગ્યાએ રહેવાથી પણ આ રોગમાં સપડાઈ જવાય છે.

સ્વરભંગ (ગળું બેસવું) : સ્વરભંગની સમસ્યા ઊભી થાય ત્યારે રોગીનો અવાજ કર્કશ થઈ જાય છે. શું બોલે છે, તે ઝટ સમજાતું નથી. એવું લાગવા માંડે છે કે રોગીના ગળામાં કોઈ વસ્તુ ફસાયેલી છે. રોગીના ગળાનો કાકડો વધી જાય છે. રોગીના ગળામાં દાણા થાય છે. સિફલિસ રોગને કારણે શ્લૈષ્મિક વ્રણ વગેરે ઉત્પન્ન થાય છે. રોગીના ગળામાં ખંજવાળ, ગલીપચી, અતિશય સ્ત્રાવ, શુષ્કતા, ઉધરસ, ખરખરાહટ રહેવા માંડે છે. રોગીને શ્વાસ લેવામાં અને કશું પણ ગળવામાં મુશ્કેલી થાય છે. જ્યારે રોગીને ઉધરસ થાય છે ત્યારે એવું લાગે છે કે જાણે રોગીને ફેફસાંના રોગ છે, પણ એવું હોતું નથી.

ગળામાં પેદા થયેલા વ્રણ (ઘા): ઘણી વાર ગળાની શ્લેષ્મ કળા અને ગળાની ત્વચામાં કોઈ ઘા ઉત્પન્ન થાય છે ત્યારે આ સ્થિતિમાં રોગીને અસહ્ય વેદનાનો સામનો કરવો પડે છે.

સ્વરતંત્રમાં આવેલો સોજોઃ વધુ બોલનારા, ગાયક, પ્રવક્તા, જોરથી બોલનારા નેતા, અભિનેતા વગેરે લોકોમાં સ્વરતંત્રમાં સોજાની સમસ્યા જોવા મળે છે.

ગળાથી સંબંધિત બધા જ રોગોની ઉત્પત્તિનાં કારણોઃ વરસાદમાં પલળવાથી, શરદી થવાથી, પ્રદૂષિત વાતાવરણમાં રહેવાને કારણે, ઋતુ બદલાવાથી, ભેજવાળા વાતાવરણમાં રહેવાને કારણે ગઠિયો, આમવાત, સંધિવા, સૂકી ઉધરસ, જ્વર, ઓરી, અછબડા, સ્કોરલેટ, હિપેટાઈટિસ, ટીબી, પાયોરિયા, ડિપ્થેરિયા, સિફલિસ, દાંત સડવાથી પણ ગળાના રોગ ઉત્પન્ન થાય છે.

બેક્ટેરિયાજન્ય ટોક્સિન્સનેં કારણે, મોઢાથી શ્વાસ લેવાને કારણે, સાયનસ રોગને કારણે, નાકમાં અવરોધને કારણે, શરદીની અધિકતાથી, વધુ બોલવાથી, ધૂમ્રપાન કરવાથી, ઝેરીલો ગેસ શ્વાસમાં જવાથી, તળેલા-ભૂંજેલા ખાદ્યપદાર્થ ખાવાથી, ઠંડા ખાદ્યપદાર્થ વધુ ખાવાથી, જોરથી બોલવાથી, ગળામાંથી જુદા જુદા પ્રકારના અવાજ કાઢવાથી, કબજિયાત રહેવાથી ગળામાં ટોન્સિલ અને સ્વરતંત્રમાં ખરાબી થવાથી રોગ થાય છે.

જડીબુટ્ટીઓ દ્વારા ઉપચાર :
* ડિપ્થેરિયાના રોગીએ શુદ્ધ મધમાં ફૂલેલો સુહાગા મેળવી થોડું થોડું ચાટવું જોઈએ.
* ટોન્સિલ થાય ત્યારે એરંડનાં પાનને આછા તાપમાં શેકીને તેના પર મધ ચોપડો અને બંને તરફ ગાલ પર ચોંટાડયા પછી પટ્ટી બાંધો. આ રીતે કરવાથી ફાયદો થશે.
* ગળું બેસી ગયું હોય તો કાળા મરી અને સાકરને મોઢામાં મૂકી ચૂસવું જોઈએ.

ટોન્સિલ અને થાઇરોઈડનો ઉપચાર :
૫૦ ગ્રામ ત્રિકૂટ ચૂરણ, ૨૦ ગ્રામ બહેડા ચૂરણ, ૧૦ ગ્રામ પ્રવાલપિષ્ટી લઈ આ બધાનું ચૂરણ બનાવી રાખો. મોટી ઉંમરના લોકોએ એક એક ગ્રામ, તથા નાની ઉંમરના રોગીએ અડધા અડધા ગ્રામની માત્રા જેટલું ચૂરણ લઈ સવાર - સાંજ ખાલી પેટ મધ સાથે લેવું. નિયમિત સેવન કરવાથી થાઇરોઈડ રોગમાં ખાસ લાભ થાય છે. તથા બાળકોની ટોન્સિલની સમસ્યા પણ દૂર થાય છે.

યોગ : દરરોજ યોગાસન, ધ્યાન અને પ્રાણાયમ જરૂર કરવા જોઈએ. આ પ્રમાણે કરવાથી શરીર પણ સ્વસ્થ રહે છે અને શરીરમાં રોગો થતાં નથી.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:sandesh.com